હું કોણ? – એક આંતરિક શોધ
શું તમે ક્યારેય શાંતિથી વિચાર્યું છે—"હું કોણ છું?"
દરરોજ આપણે કહીએ છીએ: "મારા હાથ, મારા પગ, મારી આંખો, મારું મન..."
પણ જો આપણે થોડું ઊંડાણથી વિચારીએ, તો અહીં એક અગમ્ય રહસ્ય છુપાયેલું છે.
જ્યારે આપણે કહીએ "મારા" હાથ, તો શું એનો અર્થ નથી થતો કે 'હું' હાથ નથી?
આજ રીતે, મારું મન, મારી બુદ્ધિ, મારો સ્વભાવ—આ બધું 'મારું' છે, એટલે કે 'હું' નથી.
તો 'હું' કોણ છું?
શરીર અને મન તો ફક્ત એક સાધન છે. જેમ આપણે મોબાઈલ કે ગાડીનો ઉપયોગ કરીએ છીએ અને તેને 'મારું' કહીને ઓળખીએ છીએ, તેમ જ આ શરીર અને મન પણ એ જ છે—એક સાધન.
જે દિવસે જીવાત્મા શરીર છોડે છે, એ દિવસે:
હાથ નિષ્ક્રિય થઈ જાય છે.
મન શાંત થઈ જાય છે.
સ્વભાવ ઓગળી જાય છે.
તો, જે કંઈ પણ 'મારું' હતું—એ બધું નાશવંત છે. પણ 'હું' તો શાશ્વત છું.
મનનું ખાલીપણું અને તેનું પૂર્ણત્વ
આ જગતમાં મોટાભાગના લોકોની જિંદગી બહારથી સંપૂર્ણ લાગે, પણ હૃદયની અંદર કશુંક ખૂટતું રહે છે. એક અગ્નિ જેવી બેચેની, જે સતત અંદર સળગતી રહે છે.
આપણે આખી જિંદગી શાંતિ અને સંતોષની શોધમાં જીવીએ છીએ. બજારો વસ્તુઓથી ભરેલા છે, પણ આ અંતરના શૂન્યને ભરવાની દવા ત્યાં નથી.
સમય પસાર થતો જાય છે, ઉંમર વધે છે, પણ આ બેચેની એક પડછાયો બનીને સતત સાથ આપી રહે છે. એક દિવસ આ બેચેની કોઈક રોગનું સ્વરૂપ લઈ લે છે. જેમ જેમ બેચેની વધે, તેમ મનનું શાંતપણું ઓસરવા લાગે છે.
આ ખાલીપાની દવા ક્યાં છે?
કેટલાક લોકો આ તકલીફ મિત્રોને કે પરિવારજનોને કહે છે, અને કેટલાક મૌન બની જાય છે. પણ જે મન આ તકલીફ ઊભી કરે છે, તે જ મન તેની મુક્તિ આપી શકે?
શાસ્ત્રો કહે છે—ગુરુની શરણમાં જાઓ, સત્સંગ કરો.
શાંતિ બહાર નથી, તે આપણા અંદર છે.
અંતિમ શાંતિ – 'હું કોણ' એ જાણી લેવાથી જ મળશે
આપણે શરીર, સંબંધો, સંપત્તિ અને ઓળખાણમાં એટલા તનમય થઈ ગયા છીએ કે આપણું સાચું સ્વરૂપ ભૂલી ગયા છીએ.
પણ જો થોડું શાંતિથી અંદર જોશો, તો એ આત્માનું પ્રકાશિત ચેતન સ્વરૂપ દેખાશે—જ્યાં શાંતિ, આનંદ અને પ્રેમ છે.
તો ચાલો, ઊંડા વિચારીએ... 'હું કોણ છું?'
તમારા વિચારો અને અનુભવો નીચે કોમેન્ટમાં શેર કરો. કદાચ,
એક બીજાના વિચારોથી આપણે હકીકતની નજીક આવી શકીએ!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો